પ્રિય કૃષ્ણ,
સૌ પ્રથમ તો જન્મદિન ની ખુબ ખુબ શુભેચ્છા તમને કૃષ્ણ. હું મને તમારો ભક્ત તો ના કહી શકું કારણ કે ના તો મારા માં નરસિંહ જેટલી પ્રમાણિકતા છે કે ના તો મીરાં જેવી પવિત્રતા. પણ હા હું આપનો જ એક ભાગ છું. આપ નો જ એક અંશ. કૃષ્ણ, પહેલા તો પ્રશ્ન એ થાય છે કે કયા નામ થી તમને બોલાવું? તમે ગુરુ પણ છો, મિત્ર પણ. તમે રાજા પણ છો અને દાસ પણ. તમે યોદ્ધા પણ છો અને સારથી પણ. તમે જ સર્વસ્વ છો.
પ્રભુ, તમે ખરેખર એક મહા માનવ છો. પરંતુ આપ એક સામાન્ય માનવી તરીકે જ જીવ્યા હતા. પ્રભુ આજે હું તમને બોર નહિ કરું, પણ હું ખરેખર જાણવા માંગું છું કે કેવી રીતે તમે આટલા સહજ રહ્યા છો? કેવી રીતે કોઈ પણ વિષમ કે વિકટ પરિસ્થિતિ માં કેટલી શાંતિ અને સહજતા થી આપ નિર્ણય લઇ શકતા? કેવી રીતે આપ માનસિક સજ્જતા જાળવી શકતા? હે કૃષ્ણ, મને ખ્યાલ છે ત્યાં સુધી તમે કોઈ શિબિર માં કે કોઈ કથા માં ભાગ નહોતો લીધો તો પણ આ માનસિક સજ્જતા ક્યાં થી લઇ આવ્યા એ તો કહો..
કૃષ્ણ, આપ એક ખુબ જ ઉમદા મિત્ર હતા. સુદામા સાથે ની આપની મિત્રતા ના કિસ્સા આજે પણ અમે સંભાળીએ છીએ . આપ પૃથ્વી પર મનુષ્ય દેહ લઇ અને પધાર્યા ત્યારે જે રીતે તમે બધા જ મનુષ્ય ધર્મો બજાવ્યા હતા. મિત્રતા પણ તેમાં નો એક છે. પ્રભુ કેવી રીતે તમે મિત્ર ના બધા દુખ નિવારતા અને એ પણ એને એવું ના લાગે કે આપ એના પર ઉપકાર કરો છો કે આપ એને મિત્રતા શીખવાડો છો. હે દેવકી પુત્ર , અમને આ મિત્રતા શીખવાડો.
સખા, મને ખબર છે કે તમને સખા કેવાનો અધિકાર માત્ર ને માત્ર તમારી સખી દ્રૌપદી ને છે પણ પ્રભુ આપ અમને જણાવો કે આટલો પવિત્ર, આટલો અદભુત સંબંધ કેવી રીતે કહી શક્યા. કેટલી સહજતા થી એ યજ્ઞસેની ને આપ વચન આપ્યું હતું કે આપ એના ચીર પુરશો અને આપ એ વચન પૂર્ણ પણ કર્યું. કૃષ્ણ, આજે જયારે ફેશબૂક માં લોકો ધરબાયેલા છે ત્યારે તમે અમને શીખવાડો કે કેવી રીતે તમે દ્વારકા માં બેઠા બેઠા ઇન્દ્રપ્રસ્થ થી દ્રૌપદી ની પુકાર સાંભળી અને ત્યાં પહોચ્યા. હે કૃષ્ણ, તમે અમને લોકો ના ભાવ વાંચતા શીખવાડો
રાધા વલ્લભ , આજે પણ જયારે કૃષ્ણ નું નામ બોલાય ત્યારે સૌથી પેલા રાધા યાદ આવે. (જુઓ આ વાંચતા જ તમારા મુખારવિંદ પર કેટલું સરસ સ્મિત આવી ગયું). આ રીલેશનશીપ જ એવી છે. અમને કહો કે બાળપણ ની એ રાસ ની રમજટ અને એ મધુર સમય, એ મીઠો પ્રેમ, એ રિસામણા મનામણા, એ આપની મનમોહક વાંસળી, પ્રભુ કેમ ભૂલાય રાધા થી આ બધું. અને સાથે જ કેમ ભૂલાય આપ થી આ બધું? એટલે જ તો આપની મનુષ્ય દેહ ની અંતિમ ક્ષણો માં આપ પાર્થ ને કહો છો કે રાધા ને કહેજો કે" મારી રાહ ના જુએ, હું હવે નહિ આવું." તમે પણ જાણતા હતા કે શરીર માં થી શ્વાસ જશે પણ રાધા નો એ પ્રેમ, રાધા ની યાદ નહિ જાય અને રાધા પણ તમારી હજી એટલી જ ઉત્કનઠા થી રાહ જોતી હશે., હે કેશવ, અમને પણ સમજાવો કે કેવી રીતે આવી રીલેશનશીપ ને આટલી સરસ રીતે રાખવી અને સંબંધ નો ઉલ્લાસ કરવો.
માધવ, પાર્થ પર થી યાદ આવ્યું કે પાર્થ એટલે એ જ ને કે જેને આપે કુરુક્ષેત્ર માં ગીતા નું જ્ઞાન કરાવ્યું હતું. આપ એ કહેલું "યદા યદા હી ધર્મ:સ્યા, ગ્લાનિ ભવતિ ભારત:.." અને આપનું એ વિરાટ સ્વરૂપ ના દર્શન આપ્યા હતા. દામોદર આપ તો એ ૧૮ અધ્યાય ફક્ત અર્જુન ને હિમત આપવા કહ્યા હતા.. પણ આજે સમગ્ર દુનિયા એ ૧૮ અધ્યાય ને શાશ્વત કરી લે તો ભવસાગર પાર કરી જાય. દામોદર, સમગ્ર વિશ્વ કહે છે કે અર્જુન વિશ્વ ના શ્રેષ્ઠ તીરંદાજ હતા. અને એમાં શંકા ને કોઈ જ સ્થાન નથી, પરંતુ એ તીર કોના પર, ક્યાં, ક્યારે અને કેવી રીતે ચલાવું એ તો આપની સમજ હતી, આ આપ પણ જાણો છો ને પાર્થ પણ. આજે અમે પણ એ જ પ્રાથના કરીએ કે આપ અમને હમેશા માર્ગદર્શન આપતા રહેજો. હા હા મારા ઘનશ્યામ, તમે કહેશો કે તમારો પ્રીતિપાત્ર બનવા અમારે પણ અર્જુન ની જેમ અમારા ક્ષેત્ર માં શ્રેષ્ઠ થવું પડે અને અમે હમેશા એના પ્રયાસ કરશું. પણ આપ ના આશીર્વાદ અને પ્રેમ વગર કશું જ શક્યા નથી.
દ્વારકાધીશ, આપ ને પત્ર લખું ને જો આપના પ્રાણ પ્રિય, આપના અર્ધાંગીની રુકમણીજી નો ઉલ્લેખ ના કરું તો કેમ ચાલે? દામોદર, રુકમણી અને તમારો સંબંધ એટલે વૃક્ષ અને વરસાદ નો સંબંધ. બંને એકબીજા પર આધારિત છે અને એકબીજા વગર ચાલે પણ નહિ. અને આમ જોઈએ તો એમને હમેશા તમારો સાથ આપ્યો છે, અને યાદ છે ને એમને જ પ્રેમ પત્ર લખી ને તમને લગ્ન કરવા બોલાવ્યા હતા. હે નંદગોપાલ, અમને પણ શીખવાડો કે પોતાના જીવનસાથી સાથે આટલી તાદાત્મ્ય થી રહેવું.
ગિરધારી, તમે ઘણા પરાક્રમ, ઘણા તોફાન અને ઘણી મસ્તી કરી છે. પણ આ બધા સાથે હમેશા એક ઉદાત ભાવના, એક અંત:સ્ફૂરણા, એક આદર અને ખાસ તો એક સંકલ્પ રહેલો છે. હું આશા રાખું કે "સંભવામિ યુગે યુગે" નું સુત્ર સાર્થક કરી આ નાના સખા ને તમે આ શીખવાડવા આપ ફરી એક વાર પૃથ્વી પર આવશો ને પ્રભુ? આવો તો મને ઈ મેલ ચોક્કસ કરજો.
આપનો પ્રિય,
સ્મિત
તા. ક. : આજે બપોરે થોડી વાર આરામ કરી લેજો. રાતે ૧૨ વાગે મટકી ફોડી ને જન્મ દિન ઉજવીશું ત્યારે માખણ ખાવા આવશો ને?