Wake Up Smit

This is my Blog, I'll write what I think, what I like to share with everyone. I do not claim to be the originator of all collections here. I get these through, email, books, movies amongst other sources; makin it difficult to always give credit to the Author. It is just my attempt to liven up LIFE which is in any case too serious. There is no discrimination - racial or otherwise involved. If you see something you do not like, please feel free to move on!

Saturday, January 15, 2011

ભૂંસી નાખ્યું એક નામ…. – મીનલ દવે

સ્કૂલબસ ઊભી રહી, એક ખભે વૉટરબૅગ, બીજે ખભે તૂટેલા પટ્ટાવાળી સ્કૂલબૅગ એક હાથમાં લટકતી ટાઈ, બીજા હાથમાં ફાટેલું આઈ-કાર્ડ લઈને નીકી માંડ નીચે ઊતરી. બસ ઊપડી ગઈ. રોજ તો ઊપડતી બસમાંથી ‘નીકી બાય’…. ‘આવજે નીકી’, ‘નીકી ટાટા’ના અવાજો ગાજતા હોય. આખી સોસાયટીને ખબર પડી જાય : નીકી આવી ગઈ. પરંતુ આજે ન તો બસમાંથી કોઈ અવાજ આવ્યો, ન નીકીએ હાથ હલાવ્યો. જાણે કોઈએ ‘સાયલન્સ પ્લીઝ’નું બોર્ડ ન બતાવ્યું હોય તેમ જરા પણ અવાજ કર્યા વિના બારીમાંથી બહાર ડોકાતાં માથાંઓને લઈને બસ ચાલી ગઈ.
નીકી ત્યાં જ ઊભી રહી ગઈ, બસ જે તરફ ગઈ હતી એ તરફ જોયા કરતી. કદાચ બસ પાછી આવે, આવીને નીકી પાસે ઊભી રહે અને બારીમાંથી ડોકાતાં માથાં ખિલખિલાટ હસતાં હસતાં બૂમો પાડે : ‘નીકી, એપ્રિલફૂલ ! નીકી એપ્રિલફૂલ !’ પોતે બસમાં ચડી જાય, ખડખડાટ હસી પડે અને આખી બસમાં ચારેબાજુ રંગબેરંગી ફુગ્ગાઓ ઊડવા માંડે, બધાં દોડી દોડીને ફુગ્ગાઓ ફોડવા માંડે અને ધમાલમસ્તી, ધમાચકડી મચી જાય બસમાં ! પણ બસ તો પાછી ન વળી. નીકીએ વાંકા વળીને બસ આવે છે કે કેમ તે જોયા કર્યું.
‘એય કાબર, કેમ અહીં ઊભી છે ? ઘરે નથી જવું ?’ હેમા આન્ટી સ્કૂટર ઊભું રાખીને પૂછતાં હતાં. નીકીએ જરા હસી, નીચે મૂકેલી સ્કૂલબૅગ ઊંચકીને ધીરે ધીરે ચાલવા માંડ્યું. હેમા આન્ટીનો ઊંડો શ્વાસ અને ‘બિચારી છોકરી ! બાપના પાપની સજા…..’ જેવો ગણગણાટ નીકીની પીઠમાં ચોંટી ગયા, દિવાળી પર હાથમાં સળગતો ફટાકડો ચોંટી ગયો હતો તેમ જ.
નીકીએ ગણી ગણીને પગલાં ભરવા માંડ્યાં. સાત પગલાં પૂરાં થાય કે અનુનું ઘર. પછી તરત જ સ્ટ્રીટ લાઈટનો થાંભલો, એ પછી મલયનું ઘર, પછી રસ્તો, રસ્તો ક્રોસ કરો કે તરત જ પોતાનું ઘર. નીકી અટકી ગઈ, પોતાનું ઘર ? પોતાના ઘરની બહાર તો નેઈમ પ્લેટ પર પપ્પાનું નામ લખ્યું છે, સોનેરી નેઈમ પ્લેટ પર કાળા અક્ષરથી. એ પપ્પાનું નામ જેમને થોડા દિવસોથી પોતે મળી જ નથી. એ પપ્પાનું નામ, જેને લઈને આજે સ્કૂલમાં અને બસમાં મારામારી થઈ છે. આજ સુધી જે નીકીએ કદી કોઈ સાથે બોલાચાલી કરી નથી એ નીકીએ આજે પપ્પાના નામને લીધે મારામારી કરી છે. નીકીએ પોતાની સાઈકલ પર સ્ટિકર લગાવેલું છે : ‘માય ડેડી સ્ટ્રૉંગેસ્ટ’ ! અને એ નામ આજે ખારી શીંગનાં ફોતરાં ઊડતાં હોય તેમ આખો દિવસ અહીંતહીં, જ્યાંત્યાં ઊડતું રહ્યું છે. નથી જવું ઘેર, નીકીને થયું.
પણ ઘેર ન જાય તો ક્યાં જાય ? અનુને ત્યાં જતી રહે ? અનુનાં મમ્મી તો પોતાને કેટલું વહાલ કરે છે ! એ મને નહીં રાખે પોતાને ઘેર ? પણ આન્ટી પૂછે કે કેમ ઘેર નથી જતી, તો પોતે શું જવાબ આપશે ? પોતે અનુની બહેન હોત તો કેવું સારું થાત ? તો આજે આ મારામારી પણ ન થઈ હોત. નીકીએ ઘર તરફ પગલું ઘસડ્યું. ઘર આવે જ નહીં તો ? પોતે ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, સોસાયટી, રસ્તા, શહેર, બધું ઓળંગીને જંગલ, નદી, પર્વત પસાર કરીને ચાલતી જ રહે. જ્યાં કોઈ એને કહે નહીં કે ‘તારા પપ્પા…..’
‘આજે પેપરમાં પેલો ફોટો તારા પપ્પાનો છે ને ?’
‘કેવી વટ મારતી હતી મોટી ગાડીમાં બેસીને, પણ એના પપ્પા તો….’
‘મારી મમ્મીએ કહ્યું છે નીકી સાથે નહીં રમવાનું. એના પપ્પાતો…..’ નીકીએ કાન પર હાથ મૂકી દીધા. એવું બને કે ઘર પાસે પહોંચે ને ઘર જ ખોવાઈ જાય તો ? પણ ઘર કંઈ ખોવાતું હશે ? કેમ ન ખોવાય ? ઘણી વખત શાર્પનર અને પેન્સિલ નથી ખોવાઈ જતાં ? ક્યાં મળે છે પાછાં ? પછી મમ્મી નવાં અપાવે જ છે ને ? તે જ રીતે ઘર ખોવાઈ જાય તો પછી નવું ઘર મળેને ? તેમાં પપ્પા પણ નવા જ હોય ને ? પણ ના ભઈ, ઘર ખોવાઈ જાય એ ન ચાલે, ઘર ભેગી પાછી મમ્મી પણ ખોવાઈ જાય તો ? ના, હં…અં…, મમ્મી તો એ જ જોઈએ. એટલે ઘર ખોવાનો પ્લાન કૅન્સલ.
નીકી આગળ વધી. પણ…. મમ્મીને આ ખબર હશે ? સ્કૂલમાં બધાં કેવી વાતો કરતાં હતાં ? એ બધાંને તો કેટલાય દિવસથી ખબર હતી, પેપરમાં તો આજે ફોટો પણ આવી ગયો, તો મમ્મીને ખબર ન હોય એવું બને ? ખબર જ હોય. મમ્મીલોકોને તો બધી જ ખબર હોય. ભાતનો એક દાણો ઓછો ખાધો હોય તો પણ મમ્મીને ખબર પડી જાય છે. તો આટલી મોટી વાત મમ્મી ન જાણતી હોય એવું તો બને જ નહીં ને ? તો મમ્મી હવે શું કરશે ? નીકી ઘર પાસે આવીને ઊભી રહી. દરવાજે નેઈમ પ્લેટ લગાવેલી હતી. આ પ્લેટ લગાવી ત્યારે પૂરવ કેવું બોલેલો : ‘જાતે જ કાળા અક્ષરમાં પોતાનું નામ ચીતરી દીધું છે.’ મમ્મી એ વખતે કપડાથી નેઈમ પ્લેટ લૂછતી હતી, ગુસ્સે થઈ ગઈ : ‘પૂરવ, એ તારા પપ્પા છે.’
‘પપ્પા ? માય ફૂટ !’ પગ પછાડતો પૂરવ અંદર જતો રહેલો. આમ પણ પૂરવ પપ્પા સાથે વાત કરતો હોય એવું નીકીએ જોયું નથી. પોતે તો કેટલી મસ્તી કરે, ધમાલ કરે, પપ્પાની પીઠ પર ગોળ માટલું બનીને ગોઠવાઈ જાય, ચશ્માં સંતાડી દે, મોબાઈલ છુપાવી દે, પોતાની બધી જ ડિમાન્ડ પૂરી કરાવે. મમ્મી એ વખતે હસ્યાં કરે, ચૂપચાપ, કંઈ જ બોલે નહીં. અને પૂરવ તો જાણે બહેરોમૂંગો. એણે પપ્પા સાથે મસ્તી કરી હોય એવું યાદ નથી. પોતે તો એવું જ માનતી આવી છે કે મોટાભાઈ તો આવા જ હોય, મૂંગા, મીંઢા, વાતે વાતે મોઢું ચડાવનારા, ચતરા. તો પછી…. નીકીને અત્યારે વિચાર આવ્યો – પપ્પા ન હોય ત્યારે તો પૂરવ કેટલી મસ્તી કરે છે ! મમ્મીને ઊંચકીને ગોળ ગોળ ફેરવે, પોતાની પોની ખેંચીને છોડી નાખે, ચકલી, બિલાડી કહીને ચીડવે, ખૂબ હસે અને હસાવે. પણ પપ્પાની હાજરીમાં ? થીજી જાય, ફ્રીઝમાંથી બહાર કાઢેલા બટર જેવો. પપ્પા બહુ ટ્રાય કરે એની સાથે વાત કરવાની, પણ એ તો ‘હં’, ‘ઊં’, ‘ના’, ‘હા’, ‘અંહં’ સિવાય જવાબ જ ન આપે ને ! કેમ આવું ?
તે દિવસે દાદા-દાદી આવેલાં. પૂરવ દાદીને પગે લાગ્યો તો દાદી જેવું બોલ્યાં કે, ‘અસલ બાપ પર ગયો છે !’ તો પૂરવ કેવો અકળાઈ ગયેલો ? અને દાદાજી પણ ખિજાઈ ગયેલા : ‘તમને બોલવાનું કંઈ ભાન છે ? આવા ડાહ્યા દીકરાને એના બાપ સાથે’… પછી મને જોઈ એટલે કેમ એકદમ જ ચૂપ થઈ ગયેલાં બધાં. કેમ આવું ? ક્યાંક એવું તો નથી ને કે આ બધાં કંઈક એવું જાણે છે જેની પોતાને ખબર નથી. નીકીને થયું પોતાને આવો વિચાર તો ક’દી નથી આવ્યો.
એ દિવસે પૂરવ અચાનક જ હોસ્ટેલથી આવી ચડેલો. જમતી વખતે નીકી ટેબલ પર પપ્પા સાથે મસ્તી કરતી હતી. મમ્મી બે દિવસથી મૂંગી હતી. જમતાં જમતાં પૂરવને અંતરાસ ગયો. પપ્પાએ એને પાણીનો ગ્લાસ ધર્યો, પૂરવે ન લીધો. મમ્મીએ ઊભાં થઈને પૂરવનો વાંસો પંપાળ્યો ને પાણી પાયું. પપ્પાનો અવાજ ઊંચો થઈ ગયો હતો : ‘હજી છોકરાંને મારી વિરુદ્ધ ચડાવ.’
મમ્મી ધીરેથી બોલેલી : ‘જમતી વખતે અશાંતિ સારી નહીં.’ પપ્પાએ ટેબલ પર જોરથી હાથ પછાડેલો. નીકીને પહેલી વખત પપ્પાનો ડર લાગેલો. હાથમાંથી દાળ ભરેલી ચમચી છટકી જઈને ભીંત પર અથડાયેલી. મમ્મી ધીરા અવાજે બોલેલી : ‘અત્યાર લગી તો બધું સહી લીધું, પણ ચકલી પીંખતાં નીકી યાદ ન આવી ?’
‘ચૂ…પ…’ પપ્પાના આ અવાજે નીકીને થથરાવી દીધેલી. પણ મમ્મી તો ધીરા અવાજે બોલતી જ રહેલી : ‘મને ચૂપ કરશો, પણ ક્યાં લગી છુપાવી શકશો ? ક્યારેક તો…..’ મમ્મીનું વાક્ય પૂરું થાય તે પહેલાં તો પપ્પાની થાળી સીધી અરીસામાં ભટકાઈને નીચે પડી, અરીસો ટુકડાઓમાં વહેંચાઈ ગયો. નીકીને પપ્પા અરીસામાં દેખાયા ટુકડે ટુકડે. નીચે જમવાનું ઢોળાયેલું, એના પર પગ મૂકી પપ્પા પોતાના રૂમમાં જતા રહ્યા, ધડામ દઈને બારણું બંધ થઈ ગયું.
નીકી કમ્પાઉન્ડનો બંધ દરવાજો ખોલીને અંદર આવી. મમ્મી બારણાંમાં જ ઊભી હતી.
‘આવી ગઈ મારી દીકરી !’ કહેતી મમ્મીએ એને વહાલ કર્યું અને એની તૂટેલી બૅગ, ફાટેલી ટાઈ જોઈ પૂછ્યું : ‘અરે વાહ, આજે તો ઝાંસીની રાણી બની હતી કે શું ?’ નીકી બોલ્યા વિના જ ખુરશી પર બેસી ગઈ. મમ્મીએ નીકીને માથે હાથ ફેરવવા માંડ્યો. નીકીએ મમ્મીની કમરમાં બે હાથ ભરાવી એના પેટ પર માથું મૂકી દીધું. એને થયું એના મનમાં કંઈક જામી ગયું હતું એ ટીપે ટીપે ઓગળી રહ્યું છે. મમ્મી છે ત્યાં લગી પોતે વિચારવાની શી જરૂર છે ? અને હીરવા, આલોક, દીપા, રીમા ભલેને ગમે તે કહે. મારા પપ્પા તો કેટલા સારા છે. કેટલા બધા લોકો એમને મળવા આવે છે. પાછા જે મળવા આવે તે પોતાને વહાલ પણ કરે ! ને પૂછે : ‘તારું નામ શું છે ?’ પોતે જવાબ આપે તે પહેલાં તો પપ્પાને કહેશે : ‘અસલ તમારા જેવી જ લાગે છે !’ અને પપ્પા કેવું હસી પડે ! હસતા પપ્પા કંઈ એવા હોય ? પેપરમાં પે’લું લખ્યું છે એવા ? અને ધારો કે પપ્પા એવા હોય તો મમ્મી એમના પર ગુસ્સે ન થાય ? પોતે કે પૂરવ જૂઠું બોલે કે પરીક્ષામાં કૉપી કરે તો મમ્મી કેવી ખિજાય છે ? ‘જૂઠું નહીં બોલવાનું, ચોરી નહીં કરવાની. ભગવાન આપણને ક’દી માફ ન કરે.’ જો મમ્મી અમને આવું કહેતી હોય તો પપ્પાને રોકે નહીં ? રોકે જ. હં… એટલે બધાં જે માણસની વાત કરે છે એ મારા પપ્પા ન હોય, ન જ હોય. નીકી જરા હળવી થઈ, એના મોં પર સ્મિત આવ્યું.
એને હસતી જોઈને મમ્મી પણ હસી : ‘આજે ક્યા યુદ્ધના મેદાનમાં લડવા ગયા હતા ?’
નીકી કહે : ‘આજે તો સ્કૂલમાં અને બસમાં બધે જ લડાઈ થઈ, બોલ !’
‘કેમ ભાઈ, બધે લડવું પડ્યું ?’
નીકી પાછી વિચારમાં પડી ગઈ. આ મમ્મી તો હસ્યાં જ કરે છે. બધાંએ પેપર વાંચ્યું તો મમ્મીએ નહીં વાંચ્યું હોય ? નીકી ફરી વિચારતા વંટોળમાં ઘુમરાતી ઊંચે ચડવા લાગી. પણ મમ્મીએ હાથ લંબાવીને એને નીચે ઉતારી લીધી.
‘બોલ બેટા, શું થયું હતું બસમાં ને સ્કૂલમાં ?’ મમ્મીનો અવાજ જાણે ધ્રૂજતો હતો.
‘એ તો તું મારી સ્કૂલમાં ભણતી હોય ને તો ખબર પડે.’
મમ્મી કહે : ‘પણ મારે શું કરવા તારી સ્કૂલમાં ભણવું પડે ?’ નીકી સમજી ગઈ. મમ્મી વાત ઉડાડી દેવા માગે છે.
‘તારે ભણવાનું નથી, ખાલી ધારવાનું છે.’
‘સારું, ચાલ, ધારી લીધું, પણ ‘એ’માં કે ‘બી’માં ?’
નીકી અકળાઈ – ‘‘ઢ’માં બસ ? હવે વચ્ચે ન બોલીશ. હાં, તો તું સ્કૂલમાં ભણતી હોય, બધાં ટીચર તારાં વખાણ કરતાં હોય, તારે બહુ બધાં ફ્રેન્ડઝ હોય. અને એક દિવસ તું સ્કૂલ પહોંચે ને જુએ કે કોઈ તારી સાથે બોલતું નથી, બધાં તારી સામે તાકી તાકીને જુએ છે, બે ટીચર તને જોતાં જોતાં પાસ થાય છે, અરે, પાણીવાળાં માસી પણ તને ઈગ્નોર કરે છે, તો તને કેવું લાગે ?’
મમ્મી ગંભીર થઈ ગઈ. નીકી જરા વાર ચૂપ રહી. પછી ધીરે ધીરે બોલવાનું શરૂ કર્યું : ‘એટલું નહીં, પાછાં એવું પણ કહે કે તારા પપ્પા તો……’ નીકીનું વાક્ય અધૂરું રહી ગયું. ‘તો તને ગુસ્સો ન આવે ? તું બધાં સાથે લડે નહીં ? પાછા પ્રિન્સિપલસર એમની ચૅમ્બરમાં બોલાવીને કહે, મમ્મીને કહેજે, હમણાં થોડો સમય તને સ્કૂલ ન મોકલે. ડ્રાઈવર અંકલ કહે, હવે આ બસમાં નહીં આવતી. અને બોલ, બધાં આ સાંભળીને હી…હી….હી…. હસ્યાં કરે.’
નીકી શ્વાસ લેવા અટકી. મમ્મી એકદમ સ્ટૅચ્યૂ. હીરવા અને ચૈતાલીએ પોતાને જ્યારે વાત કરી કે પપ્પાનું નામ પેપરમાં કેમ આવ્યું છે ત્યારે પોતે પણ આવી જ થઈ ગઈ હતી ને ! શો-કેઈસમાં ગોઠવેલી ઢીંગલી જેવી. એ જ વખતે આલોક પણ કંઈક બોલેલો. નીકીને સંભળાયું ન હતું. પણ એ પપ્પા વિશે જ બોલેલો. નીકીને રડવું આવતું હતું. પણ રડી ન હતી. આવી જ બેસી રહેલી. ઉપરના દાંતથી નીચેનો હોઠ દાબી, મુઠ્ઠી ભીંસીને. મમ્મીએ એક વખત ચાડિયો બતાવેલો, ન હાલે, ન ચાલે. પોતે પણ બેન્ચ પર એવી જ ખોડાઈ ગયેલી. અને હવે મમ્મી પણ. નીકીએ જોયું, મમ્મીની મુઠ્ઠી એકદમ કડક બંધ છે, જાણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેમ મમ્મીનું ગળું ઊંચું જઈ રહ્યું છે, નાકમાંથી કોઈ અવાજ નીકળી રહ્યો છે, આંખો ઉપરનીચે થવા લાગી છે અને હવે નળ ખોલીએ અને સુસવાટા મારતા અવાજ સાથે પાણી નીકળે તેમ ગળામાંથી નીકળતા અવાજ સાથે મમ્મીની આંખોમાંથી પાણી પડવા લાગ્યું. મમ્મીએ ટેબલ પર માથું ઢાળી દીધું, એનો વાંસો સતત ઊંચોનીચો થવા લાગ્યો. નીકીને સમજાયું નહીં હવે શું કરવું ? એ મમ્મીની નજીક ગઈ, મમ્મીને માથે હાથ પસારવા લાગી. મમ્મીએ નીકીને ખભે માથું મૂકી દીધું. નીકી મમ્મી બની ગઈ, મમ્મી નીકી. નીકીએ ફાટેલાં યુનિફૉર્મથી મમ્મીનાં આંસુ લૂછ્યાં. મમ્મી નીકીને પકડીને બેસી રહી. પોતાના વતી આખી દુનિયા સાથે લડી આવેલી નીકીની પોતે ઓશીંગણ હોય, એમ તે બેઠી હતી. નીકી મમ્મીને માથે હાથ ફેરવતી રહી. થોડી વારે મમ્મીએ નીકીને નજીક ખેંચીને ચૂમી લીધી અને કહ્યું : ‘જા બેટા, યુનિફૉર્મ બદલીને હાથ-મોં ધોઈ આવ.’
નીકી પોતાના રૂમમાં આવી. સામેની ભીંતે શો-કેઈસમાં ગોઠવેલા ટેડી બેર, ટાઈગર, જીરાફ, હાથી, લટકતો વાંદરો, ઝૂલતો પોપટ, બધી જ ઢીંગલીઓ, જાણે એને ટીકી ટીકીને જોઈ રહ્યાં હતાં. અચાનક વાંદરાએ કૂદકો માર્યો, નીકીના માથામાં ટપલી મારી, જીભ કાઢી પોતાની જગ્યાએ પાછો લટકી ગયો. બધાં રમકડાંઓમાં જીવ આવ્યો, બધાં ધક્કામુક્કી કરવાં લાગ્યાં, બૂમો પાડવા લાગ્યાં, ‘નીકીના પપ્પા……’ શોરબકોરમાં પછીના શબ્દો ડૂબી જતા હતા. ધીમે ધીમે બધાં ટોળે વળ્યાં, એકમેકનો હાથ પકડીને, ગોળ વર્તુળ બનાવી ટોળાએ નીકીને ઘેરી લીધી, ‘ઈત્તે ઈત્તે પાણી, ગોળ ગોળ ધાણી; ઈત્તે ઈત્તે પાણી. ગોળ ગોળ ધાણી’ કરતું વર્તુળ નજીક ને નજીક આવતું હતું. નીકી બહાર નીકળવા મથતી હતી, પણ નીકળાતું ન હતું. નીકીને ગૂંગળામણ થવા લાગી. એ નીચે બેસી પડી. અચાનક બધાં મોઢાં બદલાઈ ગયાં. આલોક, હિરવા, રીમા, હેમા આંટી, પ્રિન્સિપલસર, ડ્રાઈવર અંકલ, ટીચર – બધાં ગોળ ગોળ ફરતાં હતાં. પપ્પા નીચે પડેલા હતા, એમની નીચે દબાતી જતી કોઈની કોમળ ચીસ સંભળાતી હતી. નીકી પરસેવે રેબઝેબ થઈ ગઈ. એક વખત પરીક્ષામાં એવો દાખલો પુછાયેલો જે ટીચરે ભણાવ્યો ન હતો. ત્યારે આવું જ થયેલું, ન જવાબ ખબર હતો, ન દાખલો ગણવાની રીત. પછી તો ટીચરે દાખલો સમજાવેલો. આ વખતે કોને પૂછે ?
‘ની….કી….’ મમ્મીની બૂમ સંભળાઈ. નીકી જલ્દી જલ્દી હાથમોં ધોઈને બહાર આવી. ટીચરે દાખલો સમજાવતાં કહેલી વાત યાદ આવી, ‘ક્યારેક રકમ ખોટી હોય તો દાખલાનો જવાબ મળતો નથી. એવા દાખલા પર ચોકડી મારી દેવાની.’
નીકી નીચે આવી તો મમ્મી રૂમની વચોવચ ઊભી હતી. એની એક તરફ પપ્પાના રૂમનું બંધ બારણું હતું, જ્યાં અંધકાર કેદ હતો. બીજી તરફ અજવાળાના ધોધ નીચે નહાતી હોય એવી નીકી ઊભી હતી. મમ્મીએ ઘડીક બંધ બારણાં તરફ, ઘડીક નીકી સામે જોયું. પછી ધીરે ધીરે પોતાની ખુરશી પર આવીને બેઠી. નીકીના મનમાં તે દિવસવાળી ઘટના ઝબકી ઊઠી. એ વખતે નીકી રિક્ષામાં સ્કૂલ જતી, એક વખત પાછાં આવતી વેળા રિક્ષાવાળાએ નીકીને આગળ, પોતાના બે પગ વચ્ચે બેસાડેલી. ઘેર પહોંચ્યાં ત્યારે પપ્પા દરવાજે જ ઊભેલા, સાંજે ભાગ્યે જ ઘેર રહેતા પપ્પાને જોઈને નીકી દોડેલી. પણ પપ્પાએ તો જાણે એને જોઈ જ ન હતી. એ તો રિક્ષા પાસે ગયા, ડ્રાઈવરને ખેંચીને બહાર કાઢ્યો અને એક લાફો માર્યો કે પેલો નીચે ગબડી પડ્યો. પછી તો ત્રણ-ચાર લાત મારી. પોતે તો એવી ગભરાઈ ગયેલી કે ‘મમ્મી’ને માંડ બૂમ પાડી શકેલી. મમ્મી પપ્પાનો હાથ પકડીને અંદર લઈ ગયેલી ત્યારે પણ પપ્પા બૂમો પાડતા હતા : ‘હરામખોર મારી દીકરીને ખોળામાં બેસાડે છે.’ મમ્મી ચૂપચાપ ઊભી રહી, પછી જતાં જતાં બોલતી ગઈ, ‘માતાપિતાનાં કર્મોની સજા સંતાનોએ ભોગવવી પડતી હોય છે.’ નીકીને મમ્મીની વાત તો ન સમજાઈ, પણ પપ્પા માટે પ્રાઉડ ફીલ થયેલું. એ પપ્પા આવા ?
નીકીને મમ્મીની કહેલી વાર્તા યાદ આવી. પોપટને ગળે બાંધેલો દોરો છોડી નાખો તો એ રાક્ષસ બની જાય. નક્કી પપ્પા પણ ઘરની બહાર જાય ત્યારે દોરો છોડી નાખે છે. નથી જોઈતા આવા પપ્પા. એ પોતાના રૂમ તરફ દોડી, બે-ત્રણ પગથિયાં ચડીને પાછા વળીને જોયું. મમ્મીને લાગ્યું : નીકી એકદમ જ મોટી થઈ ગઈ છે. નીકી નીચે આવી ત્યારે એના હાથમાં કલરબૉક્સ હતો. એણે કાળા કલરમાં બ્રશ બોળી બંધ બારણાં પર મોટી ચોકડી મારી, આ બાજુના આગળિયા પર તાળું મારી દીધું. બૅગમાંથી બધી નોટ, બુક્સ બહાર કાઢ્યાં. જ્યાં જ્યાં એ નામ હતું ત્યાં કાળો રંગ લગાડી નામ ઢાંકી દીધું. સ્કૂલના આઈ કાર્ડ અને ડાયરીમાંથી પણ નામ ભૂંસી નાખ્યું.
નીકીએ જોયું, મમ્મી ખુરશી પર જ બેઠી છે. એ મમ્મી પાસે ગઈ. મમ્મીનો હાથ પકડીને ઊભી કરી. નીકી અને મમ્મીનો પડછાયો બંધ બારણાંને ઢાંકી દેતો હતો. નીકી બંધ બારણાં તરફ પીઠ કરીને મમ્મી સાથે ઉપર ચડી ગઈ

Love,
Smit

No comments:

Post a Comment