Wake Up Smit

This is my Blog, I'll write what I think, what I like to share with everyone. I do not claim to be the originator of all collections here. I get these through, email, books, movies amongst other sources; makin it difficult to always give credit to the Author. It is just my attempt to liven up LIFE which is in any case too serious. There is no discrimination - racial or otherwise involved. If you see something you do not like, please feel free to move on!

Wednesday, January 26, 2011

બદલાવ – રમેશ ઠક્કર

ગીતામંદિર, અમદાવાદના એસ.ટી. સ્ટેન્ડ ઉપરથી સાંજના સાડા છ વાગ્યે અમારી લકઝરી બસ રવાના થઈ. માર્ચ માસની એ સાંજ ગમગીન હતી. 26 જાન્યુઆરી, 2001ના વિનાશક ભૂકંપ પછીના દિવસો હતા. વાતાવરણ બોઝિલ હતું. ચોતરફ દહેશત હતી. સ્થિતિ માંડ થાળે પડતી લાગે ત્યાં જ પાછા આફટર શોકના સમાચારથી ફફડાટ વ્યાપી જતો હતો. સમગ્ર ગુજરાતમાં એક પ્રકારની ઉદાસી હતી. આ ઉદાસીના ધુમ્મસમાં રાજ્ય સરકારના જવાબદાર અધિકારી તરીકે મારે અંજાર મુકામે રાહત કામગીરીમાં જવાનું હતું. અમદાવાદ-ગાંધીનગર જેવા શહેરમાં વસતા મારા જેવા સરકારી અધિકારીને ના ગમે તેવી આ સફર હતી. એસ.ટી. નિગમની સેમી લકઝરી હવે અમદાવાદ શહેરની બહાર નીકળી ખુલ્લા હાઈ-વે ઉપર દોડી રહી હતી. મારા મનમાં અકથ્ય એવો અજંપો છવાઈ ગયો હતો.
કેવા હતા એ દિવસો ? જાન્યુઆરીના અંતથી શરૂ થયેલ બચાવની કામગીરી : અમદાવાદ ઍરપોર્ટ ઉપરથી રોજેરોજ ઊતરતી રાહતસામગ્રીને મેળવવી, હિસાબ રાખવા અને અસરગ્રસ્ત જિલ્લાઓમાં તેની રવાનગી કરવી. રાતદિવસ વહીવટીતંત્ર ચાલતું હતું.
‘કચ્છ ધણધણી ઊઠ્યું હતું.’
‘ગુજરાત અનેક વર્ષો પાછળ પડી જશે.’
‘વિનાશની હજુ તો આ શરૂઆત છે….’
આવા નિરાશાજનક ઉદ્દગારો થકી ચોતરફ વાતાવરણ વધારે ગમગીન થઈ રહ્યું હતું. ગુજરાતની ખમીરવંતી પ્રજા આ બધાની સામે કઈ રીતે ટકી શકશે ? હવામાં પ્રશ્ન ઘુમરાતો હતો. બસ પૂરપાટ દોડી રહી હતી. અલ્લડ હવાની લહેરખીઓ મારા ઉદાસ ચહેરાને ચૂમી રહી હતી. તેના મુલાયમ સ્પર્શના સથવારે હું નિદ્રાદેવીના શરણે જઈ રહ્યો હતો…
બહાર શોરબકોર હતો. વાતાવરણ કોલાહલમય હતું. માણસોની ચહલપહલ, ફેરિયાઓના અવાજો, લાઈટોનો પ્રકાશ ફેલાઈ રહ્યા હતા. વાતાવરણમાં ઉલ્લાસ વર્તાઈ રહ્યો હતો. બસ ઊભી રહી ગઈ હતી. નજીકના ગલ્લા ઉપરથી સુંદર ફિલ્મી ગીત હવામાં રેલાઈ રહ્યું હતું :
‘આજ મૈં જવાન હો ગઈ હું
ગુલ સે ગુલિસ્તાન હો ગઈ હું.
યે દિન, યે સાલ મહિના…
ઓ મિટ્ટુ મિયાં…. ભૂલેગા મુઝકો કભી ના….’
મારી આંખ અચાનક ઊઘડી ગઈ હતી. ‘કયું ગામ આવ્યું ભાઈ…. ?’ બારીની બહાર તાકતાં ખુલ્લામાં ઊભેલા માણસને પૂછ્યું.
‘સામખિયારી. રાતના બે વાગ્યા છે.’ તેના ઉચ્ચારમાં કચ્છી લહેકો હતો.
‘ચા મળશે ?’ મારાથી સહસા પ્રતિપ્રશ્ન થયો.
‘હા…હા કેમ નહીં ? આવો ને આપણે સાથે પીએ. હું પણ તમારી બસનો પેસેન્જર છું.’
મને તેની આત્મીયતા સ્પર્શી ગઈ. અમે બંને વાતે વળગ્યા.
‘શું કરો છો ?’
‘ભૂજમાં ધંધો છે – ટ્રાન્સપોર્ટનો…’
‘ભૂકંપથી કોઈ નુકશાન….?’
‘ના રે ના. હતું થોડું ઘણું, બાકી ભગવાનની દયા છે…’ તેના અવાજમાં ગજબની ખુમારી હતી. ચાની સાથે નાસ્તો પણ આવ્યો. મજા આવી ગઈ. પૈસા આપવા મેં આગ્રહ કર્યો.
‘રહેવા દો સાહેબ… તમે અમારા મહેમાન ગણાઓ…. મહેમાન એટલે ભગવાન. આવી સેવા કરવાનો મોકો ફરી ક્યારે મળશે ?’ તેણે હસતાં હસતાં બિલ ચૂકવી દીધું. બસ સ્ટાર્ટ થઈ. મને થોડુંક ગમતું હોય તેવું લાગ્યું.
‘એક્સક્યુઝ મી….’ એક સુંદર લાગતી યુવતી મને કહી રહી હતી અને મારી સંમતિની રાહ જોયા વગર જ મારી બાજુની ખાલી સીટમાં બેસી ગઈ. તેણે મોહક સ્માઈલ આપ્યું. અડધી રાત્રે – આ રીતે એક સુંદર યુવાન સ્ત્રી એકલી મુસાફરી કરે તે મારે મન નવાઈની વાત હતી. હું ઘડીભર વિચારતો હતો.
‘અંજારમાં અમારું રિલીફવર્ક ચાલે છે. અમે એન.જી.ઓ. તરીકે કામ કરીએ છીએ. રાજકોટથી આવતાં હતાં અને રસ્તામાં વાહન બગડ્યું… બસ મળી ગઈ, તમારી બાજુમાં સીટ મળી ગઈ….’
તે ખડખડાટ હસી પડી.
‘ડર નથી લાગતો ?’
‘શાનો વળી ?’ તે બોલી.
‘ભૂકંપગ્રસ્ત વિસ્તાર, બેહાલ લોકો….’
‘ના રે ના. એમાં ડરવાનું શું ? આખો દિવસ અનેક લોકો સાથે કામ કરવાનું થાય, નવા અનુભવો, કામની સાર્થકતા…. સાચું કહું ? મારા જીવનના આ સુંદર દિવસો જઈ રહ્યા હોય તેવું અનુભવું છું….’ તેણે પૂરું કર્યું.
મારી સામે જોઈ રહેતાં તે બોલી, ‘તમે ?’
‘સરકારી અધિકારી છું. રાહત કામગીરી માટે આવ્યો છું….’
‘ઓહો. એમ કહો ને મોટાસાહેબ છો, તમારે વળી શું ચિંતા….’ તેણે મારો આત્મવિશ્વાસ વધારતાં કહ્યું. મનોમન હું મારી જાતને ધિક્કારી રહ્યો હતો. ક્યાં અજાણ્યા પ્રદેશમાં એકલા હાથે આનંદથી ઝઝૂમતી આ તરુણી ? અને ક્યાં અજંપાગ્રસ્ત ચહેરે સફર કરતો હું !
વહેલી સવારે અંજાર દેખાયું. ઉતારાનું સ્થળ દૂરની એક શૈક્ષણિક સંસ્થા હતી. સાડા દસ સુધીમાં તૈયાર થઈ ઑફિસમાં પહોંચ્યો. તમામ સ્ટાફમિત્રો મળવા આવ્યા.
‘વેલ કમ સર ! હવે બધું બરાબર છે. રાહત સામગ્રીનું વિતરણ ચાલુ છે. સહાયના કેસો તૈયાર છે. કોઈ મુશ્કેલી નથી….’ બધાની ઓળખાણ થઈ. હું પણ કામમાં પરોવાયો. મોડી સાંજે બહાર નીકળ્યો. કચેરી ધમધોકાર ચાલતી હતી. રાત્રે જમ્યા બાદ પાછો કચેરીમાં આવ્યો. હજુ પણ લોકો કામ કરતા હતા. મારા દિવસો આ રીતે પસાર થવા માંડ્યા. દૂર ખૂણામાં એક કર્મચારી ટેબલમાં માથું નાખી સતત કામ કરતો હતો. હું આવ્યો તે દિવસથી મેં તેને આ રીતે જ જોયો હતો.
‘કોણ છે એ ભાઈ ?’ મારાથી પુછાઈ ગયું.
‘પંડ્યાભાઈ છે. ભૂકંપમાં એમનું ઘર પત્ની અને બાળકો સમેત ધરાશયી થઈ ગયું. તેમના બે સગા ભાઈઓ ભૂકંપ વખતે અંજારના બજારમાં ગયા હતા. લાશ પણ મળી શકી નહીં… આ માણસે કામમાં દિલ પરોવી દીધું છે. એક પણ રજા લીધી નથી. આવા તો અનેક માણસો તમને જોવા મળશે….’ હું એ કર્મચારીની સ્થિતપ્રજ્ઞતાને જોઈ રહ્યો. મારે જાણે હજુ ઘણું શીખવાનું હતું !
‘અબ્દુલ તું ક્યાં રહે છે ?’ મારી સરકારી ગાડીના સ્થાનિક ડ્રાઈવરને મેં પૂછ્યું.
‘સાહેબ, જેસલતોરલની સમાધિની બાજુમાં અમારા ઝૂંપડાં છે.’
‘તને કોઈ લાભ મળ્યો કે નહીં ?’
‘નથી લીધો સાહેબ.’
મને નવાઈ લાગી, ‘એટલે ?’ મેં પૂછી નાખ્યું.
‘સાહેબ…. અમારે ઝૂંપડાવાળાને શું નુકશાન હોય ? ખુદાની મહેરબાનીથી અમે બચી ગયા એ મોટી વાત છે. જેને તકલીફ પડી હોય તે મદદ લે… અમારાથી ના લેવાય….’
‘તારા મા-બાપ શું કરે છે ?’
‘મજૂરી કામ… દહાડીએ જાય…. ખાધેપીધે સુખી છીએ, સાહેબ….’ તેણે ગાડીને બ્રેક મારી, ‘સાહેબ, સોડા પીવી છે ? મને યાદ કરશો…..’
હું તેનો જીવનરસ જોઈ રહ્યો હતો. ઝૂંપડીમાં રહેતા આ માણસમાં આટલી અમીરાત ક્યાંથી આવી હશે ? મને જાણે એક પછી એક પ્રસંગો ઘડી રહ્યા હતા. મને એવું દઢપણે લાગી રહ્યું હતું કે મારે દિલ દઈને મને મળેલા કામમાં ખૂંપી જવું જોઈએ. મારા અંતરમાં કોઈ અજબ પ્રકારની સરવાણીઓ ફૂટી રહી હતી. મારામાં ગજબનો બદલાવ આવી ગયો હતો 
Love,
Smit

2 comments: